Main Menu

શ્રી સોમનાથ દાદા સમક્ષ આસ્થાપૂર્વક શીશ ઝૂકાવતા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ : મધ્યાહન આરતી અને પૂજાનો લાભ લીધો

વેરાવળ : કચ્છ અને સૌરાષ્ટ્રની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે આજે અરબી સમુદ્રના તટે બિરાજતા ભારત વર્ષના આસ્થા કેન્દ્ર ભગવાન શ્રી સોમનાથ દાદા  સમક્ષ શીશ ઝૂકાવી આસ્થાપૂર્વક વંદના કરી હતી. પ્રથમ જયોતિર્લિંગ શ્રી સોમનાથ દાદાની રાષ્ટ્રપતિશ્રી સાથે તેમના પરિવારજનોએ પણ પૂજા, અર્ચના,અભિષેક  કરી સૌના કલ્યાણ માટે મંગલ પ્રાર્થના કરી હતી. દેશના રાષ્ટ્રપતિ તરીકે તેઓ બીજી વખત ભગવાન સોમનાથ દાદાના દર્શનાર્થે આવ્યા હતા. તેમણે સોમનાથ દાદાની મધ્યાહન આરતીનો પણ શ્રધ્ધાપૂર્વક લાભ લીધો હતો. રાષ્ટ્રપતિશ્રી સોમનાથ ગોલોકધામ હેલીપેડ આવી પહોંચતા વન અને પર્યાવરણ મંત્રીશ્રી ગણપતભાઇ વસાવા, કલેકટરશ્રી  અજય પ્રકાશ, જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ તેઓને આવકારી પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. ત્યાંથી  રાષ્ટ્રપતિશ્રી અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા સ્થળે આવી સરદાર સાહેબને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. અહિં સોમનાથ દાદાના  દર્શનાર્થે આવેલા યાત્રાળુઓ રાષ્ટ્રપતિશ્રીને વંદે માતરમના નારા સાથે આવકાર્યા હતા.  બાદમાં રાષ્ટ્રપતિશ્રી સોમનાથ પરિસરમાં આવી પહોંચ્યા હતા.  સોમનાથ તીર્થક્ષેત્રના વિદ્વાન  બ્રાહ્મણોએ વેદ મંત્રોનું ગાન કરી તેઓને આવકાર્યા હતા. મંત્ર ગાનથી વાતાવરણ પવિત્ર બની ગયું હતું.  સોમનાથ  મંદિરે જિલ્લા વિકાસ અધિકારશ્રી ધર્મેન્દ્રસિંહ રહેવર અને સોમનાથ ટ્રસ્ટના સલાહકારશ્રી યશોધર ભટેૃ રાષ્ટ્રપતિશ્રીનું સ્વાગત કર્યુ હતુ.  દેવાધિદેવ સોમનાથ મહાદેવ કૈલાશપતિને રાષ્ટ્રપતિશ્રીએ શ્રદ્ઘાપૂર્વક વંદના કરી ભાવવિભોર થયા હતા. પૂજારીએ સ્તુતિ મંત્રોનું મંગલમય ગાન કરી પૂજા-અર્ચના કરાવી હતી. તેમણે શિવલિંગ ઉપર ગંગાજળનો અભિષેક કરી દેશ-વિશ્વના કલ્યાણ માટે કામના કરી હતી. આચાર્યશ્રી ધનંજયભાઇ દવેએ પૂજાવિધિ કરાવી હતી. આ અવસરે દેશના પ્રથમ મહિલા અને રાષ્ટ્રપતિશ્રીના ધર્મપત્નિ તેમજ તેમના પરિવારજનો સાથે જોડાયા હતા. પૂજા-અર્ચના બાદ રાષ્ટ્રપતિશ્રીએ મહેમાનો સાથે સાગરદર્શન ખાતે  ભોજન લીધુ હતુ. સોમનાથ મંદીર ખાતે રાષ્ટ્રપતિશ્રીને મંત્રીશ્રી વસાવા, સોમનાથ ટ્રસ્ટના સલાહકારશ્રી યશોધર ભટૃ અને જનરલ મેનેજરશ્રી વિજયસિંહ ચાવડાએ સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યુ હતુ.રાષ્ટ્રપતિશ્રીની સોમનાથ મુલાકાત પ્રસંગે  કલેકટરશ્રી અજય પ્રકાશ, જિલ્લા પોલીસવડાશ્રી રાહુલ ત્રિપાઠી અધિક કલેકટરશ્રી એચ.આર. મોદી સહિત જિલ્લાના વરીષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા. અત્રે ઉલ્લેખનીયછે કે, તત્કાલીન રાષ્ટ્રપતિશ્રી રાજેન્દ્ર પ્રસાદ, કે.આર.નારાયણ, શ્રીમતી પ્રતિભા પાટિલ અને શ્રી પ્રણવ મુખર્જીએ ભારતવર્ષનાં આસ્થાકેન્દ્ર પ્રભાસતિર્થ ક્ષેત્રની મુલાકાત લઇ ભગવાન સોમનાથનાં આશીર્વાદ મેળવ્યા હતા.


error: Content is protected !!