Main Menu

આજથી પૂ. મોરારિબાપુની રામકથા માદરે વતન તલગાજરડામાં આરંભાશે. તલગાજરડાની તાસકમાં રામકથાની રસમલાઈ પીરસશે. અંદાજિત લાખ જેટલા ભાવકો કથાનો રોજ લાભ લેશે. તલ જેવું ગામ ગાજર જેવું થશે.

આજથી પૂ. મોરારિબાપુની રામકથા માદરે વતન તલગાજરડામાં આરંભાશે. તલગાજરડાની તાસકમાં રામકથાની રસમલાઈ પીરસશે. અંદાજિત લાખ જેટલા ભાવકો કથાનો રોજ લાભ લેશે. તલ જેવું ગામ ગાજર જેવું થશે. તલગાજરડાના જે ખેતરમાં શીંગ વાવી હતી એ જ ખેતરમાં હીરાઓ વાવશે. કથાની પૂર્વ સંધ્યાએ સાધુ બ્રાહ્મણોની ચોર્યાસીનું ભવ્ય આયોજન થયું હતું.પૂ. બાપુ એ કહ્યું કે થોડા વર્ષો પૂર્વે ‘ આ કથાના યજમાન હરિભાઈ પાસે સત્યનારાયણના રૂપિયા ન હતા, આજે આટલું ભવ્ય આયોજન કરી રહ્યા છે એ હરિકૃપા જ…આ આખો પંથક બાપુના તગતગતા તેજથી રળિયાત છે. ત્રિભોવનદાદાના આ ખૂણાને હજુ લૂણો નથી લાગયો. એ અખંડ ચેતનાનું પ્રતીક છે. કથાની પૂર્વસંધ્યાએ હું મંડપમાં નિરખવા આવ્યો છું કે થાંભલે થાંભલે હિમાલયથી કોણ કોણ આવ્યું છે. અલગારી અવધૂત ઓલિયાઓ આવશે જ.. એને અંતરની આંખ હશે તો નીરખી શકશો..સાધુનો દીકરો લોટ માંગવા નીકળે ત્યારે પાત્રમાં સૌથી પહેલા ઘરમાંથી ચપટીક લોટ નખાય છે. આ તલગાજરડાની કથા નિમિત્તે હું ય મારી ચપટી આપવા આવ્યો છું.

મોરારિબાપુ એટલે પ્રવૃત્તિનો પાવરહાઉસ. એમની વિદ્યુતવેગી વાગ્મિતા સાંભળી વાગેશ્વરીદેવી પણ પ્રસન્ન થઇ જાય. એવું કહેવાય છે કે વ્યાસપીઠ પર બિરાજમાન થાય છે ત્યારે સ્વયમ હનુમાનજી શ્રોતા રૂપે બિરાજે છે. ભારતની આઝાદીની લડાઈમાં એક એ બાપુનું પ્રદાન અને ભારતની આબાદીમાં આ બીજા બાપુનું પ્રદાન અભૂતપૂર્વ છે. સંગીત, સાહિત્ય અને બધી જ કળાઓને પોંખે છે. શિક્ષક હતા ત્યારે ચાર દીવાલનો વર્ગખંડ હતો, હવે ચારે દિશામાં કરોડોનો ચાહકવર્ગ છે. સૌને સ્ફટિકમય શુદ્ધતાથી સમભાવે ચાહે છે. પ્રેમ, પુરુષાર્થ અને પરમેશ્વરનો ત્રિવેણીસંગમ એટલે બાપુ. લોકશિક્ષણની યુનિવર્સિટી છે. નિજાનંદના નીર સહજતાના સરનામે વહેતા રહે છે. કશાય આડંબર વગર એમનું સહજસમાધિ જેવું વ્યક્તિત્વ આબાલવૃદ્ધ સૌને સુગંધિત કરતું રહ્યું છે. સંસ્કૃતિના સંરક્ષક બાપુ વિશે કંઈ કહેવું એટલે સૂર્ય સામે ટોર્ચ બતાવવા જેવું. પોતાના વક્તવ્યમાં કહે છે કે ‘મા, માતૃભૂમિ અને માતૃભાષાનું ઋણ કદી ઉતરી ન શકે.’ એમની સાદગીનો શૃંગાર અને તેજતર્રાર સ્મૃતિનું વરદાન સૌને વિસ્મિત કરે છે. તાજેતરમાં યોજાયેલ આફ્રિકાની કથામાં માત્ર પાંચ મિનિટમાં પાંચ કરોડનું ભૂખ્યાજનો માટેનું દાન એકત્રિત કરાયું હતું. હોસ્પિટલ માટે કથા, કિન્નરોની કથા, ગારુડીઓ માટેની કથા, દેપૂજકો માટે કથા ઈત્યાદિ વંચિતોના વાણોતર માટે કાર્ય કર્યું છે. છેવાડાના માણસને પ્રથમ પાટલીએ બેસાડ્યો છે. ૨૧મી સદીનો નવો ધર્મ એટલે મુસ્કુરાહટ. બાપુ કહે છે કે મારી કથામાં સોગિયા મોંને ‘નો એન્ટ્રી’ છે. ઓટલા પરિષદના અધ્યક્ષો અને ચોરાના ચેરમેનોની ચિંતા કર્યા વગર ઉત્તમ કાવ્યતત્વ ધરાવતા ફિલ્મી ગીતો પણ બાપુ મોજથી વ્યાસપીઠ પરથી લલકારે છે. કથા દરમ્યાન અનેક સાહિત્યિક-સાંસ્કૃતિક સંદર્ભોના ઉઘડતા રહે છે. હજારોની માનવમેદનીને જીવન શિક્ષણના પાઠ ભણાવ્યા છે. ગોસ્વામી તુલસીદાસ પછી રામાયણને ઘેર ઘેર પહોંચાડવાનો શ્રેય બાપુને જ આપવો રહ્યો.
થોડા વર્ષો પહેલા એક શૈક્ષણિક સંસ્થાનું ઉદ્ઘાટન બાપુના વરદ હસ્તે હતું. બાપુ તો એઝ યુઝવલ સમયસર આવી ગયા પણ હજી સમારંભ શરુ થયો ન હતો. આયોજકોએ બાપુ પાસે ખેદ વ્યક્ત કરતા કહ્યું કે ‘હજી એકાદ કલાક થશે.’
‘કંઈ વાંધો નહીં.’ કહી મિસ્ટર કૂલ બની બેસી રહ્યા.
પછી વક્તવ્ય શરુ થયું. ટુ બી પ્રિસાઈઝ બોલતા બાપુને સાંભળતા કાનપણું સિધ્ધ થાય છે. સમાપન કરતા બાપુએ સોનેટની અંતિમ બે પંક્તિ જેવી ચોટ આપતા કહ્યું કે ‘ ઉદઘાટન મારા હાથે કરાવો છો પણ આ સંસ્થા બરાબર ન ચાલે તો તાળું મારવા પણ મને જ બોલાવજો.’
બાપુ પાસે બધા પર્યાય પાંખા પડે અને વિશેષણો વામણા પડે…
પૂ. બાપુને આ કથાના વ્હાલસોયા વંદન.

બાપુને સાંભળીએ ત્યારે સોનામાં શબ્દ ભળે. બાપુના વક્તવ્ય અને કથાકસ્તૂરીમાંથી વિચારો વીણવા બેસો ત્યારે થાય કે વટવૃક્ષની કઈ શાખ પકડો અને કઈ છોડો ? વીજળીને ચમકારે વિચારમૌક્તિકને પ્રોવા… એક અલગ અનુભૂતિના આકાશનું ઉડ્ડયન