Main Menu

દેશભરમાં સંકુચિત માનસ ઘરાવી ભડકાવવાની પ્રવૃતિ કરતા લોકોને તમાચારૂપ કોમીભાઇચારની પ્રેરણા આપતો કીસ્સો . યતિમ મુસ્લિમ યુવતી ને હિન્દૂ પરિવારે પોતાના આંગણે નિકાહ પઢાવી દીકરી ને વળાવી .નિકાહ ના આગળ માં દિવસે ગણેશ સ્થપાયા પીઠી માંડવો .અને બીજે દિવસે નિકાહ .કોમી એકતા નું ઉત્તમ ઉદાહરણ વેરાવળ માં જોવા મળ્યું

 

રવિ ખખર દ્વારા ગીર સોમનાથ  બ્યુરો .

દેશભરમાં સંકુચિત માનસ ઘરાવી ભડકાવવાની પ્રવૃતિ કરતા લોકોને તમાચારૂપ કોમીભાઇચારની પ્રેરણા આપતો કીસ્સો વેરાવળમાં જોવા મળયો છે. આ કીસ્સાની વિગતો મુજબ હિન્દુ કોળી સમાજના મેરામણભાઇ જોરા ડ્રાઇવીંગનો ઘંઘો કરી તેમના પત્ની, બે દિકરા અને એક દિકરી સાથે વેરાવળના ભાલકા વિસ્તારમાં વીસેક વર્ષથી નાના એવા મકાનમાં રહે છે. પંદરેક વર્ષ પહેલા મેરામણભાઇ સાથે ડ્રાઇવીંગ કરતા તેના મિત્ર કમરૂદીન શેખના પત્નીનું અવસાન થતા તેમની પાંચ વર્ષની દિકરી શબનમને મેરામણભાઇના ઘરે સારસંભાળ કરવા મુકી ગયેલ અને સમયાંતરે દિકરીને તેના પિતાને અત્રે મળવા આવતા હતા. છેલ્લે ૨૦૧૨ માં મળવા આવેલ ત્યારે અમદાવાદ જવાનું કહીને નિકળયા બાદ આજદીન સુઘી કયારેય મળવા આવ્યા નથી કે ફોન પણ કર્યો નથી. જો કે, હિન્દુ પરીવારે નાનપણથી શબનમનું પાલનપોષણ ઉર્દુ ભાષાના અભ્યાસ સાથે કુરાન-શરીફનું જ્ઞાન અપાવ્યુ હતુ. શબનમને હિન્દુ ઘરમાં મુસ્લીમ સમાજની તમામ રીત-રસમો નિભાવવાની સાથે તહેવારો ઉજવવાની છુટ પણ હિન્દુ પરીવારે આપી હતી. તો મેરામણભાઇના સંતોનાના લગ્ન પ્રસંગોમાં પણ શબનમએ બહેનની ફરજ નિભાવી હતી. શબનમ ૨૦ વર્ષની થતા મેરામણભાઇનો પરીવાર તેણીને પરણાવવાનું વિચારી મુસ્લીમ સમાજના દિકરાને શોઘવા પ્રયત્નો શરૂ કરેલ હતા. આ કામમાં મેરામણભાઇએ પાડોશીઅોને વાત કરી મુસ્લીમ સમાજના આગેવાનોની મદદથી શબનમ માટે તાલાલા તાબાના જાવંત્રી ગામના અબ્બાસ નામનો યુવકની પસંદગી કરી લગ્ન- નિકાહ આજની તા.૮ એપ્રિલે કરવાનું નકકી કરેલ હતુ. જે મુજબ છેલ્લા બે દિવસથી મેરામણભાઇના ઘર આંગણે મંડપ બાંઘી લગ્ન અને નિકાહની વિઘી એક જ મંડપ નીચે થઇ હતી. આ નિકાહમાં ગઇકાલે હિન્દુ સમાજની રીતરસમ મુજબ મહેંદી, આણુ, મંડપ રોપણ, ગણેશ પૂજન સહિતની વિઘિ કરાયેલ જયારે આજે મુસ્લીમ સમાજની રસમ મુજબ નિકાહ પઢાવવામાં આવેલ અને ત્યારબાદ શબનમને હિન્દુ પરીવારે હળવૈ હૈયે સાસરે વળાવી હતી. આ કોમીએકતાનો સંદેશ આપતા પ્રસંગમાં પાડોશીઅો, આગેવાનો અને યુવાનો સામેલ થયા હતા.

આ તકે મેરામણભાઇના પુત્ર ગોપાલએ જણાવેલ કે, અમો બઘા નાનપણથી શબનમ સાથે બહેન-ભાઇ તરીકે રહી મોટા થયા છે. બેએક વર્ષ પહેલા મારા લગ્ન થયેલ બાદ અમોને શબનમના લગ્ન કરાવવાનો વિચાર આવેલ હતો. જે આજે શબનમને સાસરે વળાવી સંતોષની લાગણી અનુભવીએ છે પણ સાથે બહેનની ઘરમાં ઉણપ કાયમી રહેશે. તો શબનમે જણાવેલ કે, હિન્દુ પરીવારના મારા માતા-પિતા, ભાઇ-બહેનોએ મને કયારેય મારા માતા-પિતાની કમીનો અહેસાસ થવા દીઘો નથી અને મારું માનવુ છે કે, તેમના કરતા વિશેષ પ્રેમ મને મારા પરીવારમાંથી મળયો છે.

આ પ્રસંગમાં સામેલ મુસ્લીમ સીદી બિલાલી સમાજના પ્રમુખ હાસમભાઇ મુસાગરાએ જણાવેલ કે, વર્તમાન સમયમાં એક-બીજા સમાજો વચ્ચે દેખા દેખી વઘી રહી છે. તેવા સમયે એક હિન્દુ પરીવારે પંદર વર્ષથી એક મુસ્લીમ પરીવારની દિકરીને પોતાના ઘરે દિકરીને જેમ રાખી સંસ્કારો, શિક્ષણ અને સમજ આપી છે. જે ખરેખર દેશવાસીઅો માટે કોમીએકતાનું એક પ્રેરણાદાયી ઉદાહરણ સમાન છે. ત્યારે આ મુસ્લીમ દિકરીની પરણાવા માટે જે મદદ કરવાનો મોકો મળયો તે નસીબદાર લોકોને મળે તેવી લાગણી અનુભવુ છું.